અમદાવાદ : શહેરની મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી ડેપ્યૂટી કમિશનર પર હુમલાની ઘટના સામે આવી છે. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો થયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ જવાયા હતા.પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ નજીક દબાણ દૂર કરાવવાની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.અજાણ્યા ટોળાએ હુમલો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.જેમાં રમ્ય ભટ્ટ પણ ઈજાગ્રસ્ત થયા હતા. રમ્ય ભટ્ટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમણે આ ઘટનાની વખોડી કાઢીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરવાની વાત કરી છે.
મહાનગરપાલિકાની ટીમ દબાણ દૂર કરી રહી હતી. ત્યારે અચાનક જ ત્યાં હાજર ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં ડેપ્યૂટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ જ માર માર્યો હતો. હાલ તેમને લોહીલુહાણ હાલતમાં SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને આરોપીઓની તપાસ કરતાં તેઓ નશાની હાલતમાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે ગત રાત્રે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સિવિલ હોસ્પિટલ નજીક દબાણ દૂર કરવા ગઈ હતી.