અમદાવાદ : દિવાળી પહેલા ગુજરાતમાંથી ભેળસેળવાળી વસ્તુઓની જાણે ભરમાર લાગી હોય તેમ એક બાદ એક વસ્તુઓમાં ભેળસેળ સામે આવી રહી છે. ત્યારે જો દિવાળીના તહેવારોમાં બહાર જવાનું પણ વિચારતા હોવ તો તમે ચેતી જજો. કારણ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ નામાંકિત રેસ્ટોરન્ટ ઘી-ગુડના સિંગદાણામાંથી ઇયળો નીકળતા વિવાદમાં આવી છે.આમ ખાવાની વસ્તુઓમાંથી ઇયળ નીકળવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ અંગે મળતા મિડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ ઘી-ગુડની નારણપુરા બ્રાંચમાં સીંગદાણામાંથી ઇયળો નીકળવાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. સ્ટાર્ટરમાં આપેલી ડીશમાં જીવાત નીકળી હતી. સડેલા સીંગદાણા ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.સીંગદાણામાંથી ઇયળો નીકળતાની સાથે ગ્રાહકોએ હોળાળો મચાવ્યો હતો. ગ્રાહકોએ આ અંગેની ફરિયાદ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટમાં પણ કરી હતી. જો કે બ્રાન્ચના મેનેજરે સમગ્ર વિવાદને લઈને સિંગદાણા બહારથી મંગાવતા હોવાનો દાવો કર્યો છે ત્યારે બીજી બાજુ ગ્રાહકે મ્યુ કોર્પોરેશનમાં ફરિયાદ કરવાની વાત કરી છે.
આ અગાઉ અમદાવાદના બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આ કેસમાં દુકાનદારે ભુલ સ્વીકારી રૂપિયા પરત કર્યા હતા.