અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મીએ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. ફાઈનલ જોવા PM મોદી પણ અમદાવાદ આવવાના છે અને દર્શકોની જેમ સ્ટેડિયમમાં બેસીને ફાઈનલ જોશે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
PM મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ફાઇનલ મેચને જોવા માટે આવી શકે છે. PM મોદીના કાર્યક્રમને લઇને અત્યારથી જ વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું છે. PM મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે. PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને શુક્રવાર સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. PMની મુલાકાતને પગલે વહીવટી અને પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહીત અન્ય કેટલાક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહે તેવી સંભાવના છે.
અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. JCP નીરજ બડગુજરે સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાશે. BCCI એ ફાઈનલ મેચ માટે ટિકિટનું લાઈવ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ક્રિકેટ ચાહકો પાસે ક્રિકેટના મહાકુંભની શાનદાર મેચ જોવાની છેલ્લી તક છે.