અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના જુહાપુરા ફતેવાડી કેનાલ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જુહાપુરાના ફતેવાડીમાં 2 વર્ષનું બાળક નિશ્ચિંત થઇને ઘરની બહાર રમી હતુ ત્યારે શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોતના મુખમાંથી બચવા બાળક તરફડીયા મારતું હોય છે. બાળકને શ્વાનના મુખમાંથી કેવી રીતે છોડાવ્યો તે પિતાની હિંમતના દ્રશ્ય પણ CCTVમાં જોવા મળ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારની છે. જ્યાં ફૂઝલ પાર્ક પાસેની એક સોસાયટીમાં 2 વર્ષનું બાળક હજુ ઘરની બહાર રમવા નીકળ્યું જ હતું કે રખડતો શ્વાન એકાએક સોસાયટીમાં દોડી આવ્યો અને બાળકને પકડી લીધો હતો. જોકે, શ્વાનની પાછળ જ એ બાળકના પિતા ઈર્શાદભાઈ પણ દોડી આવ્યા હતા. પહેલા એ રખડતા શ્વાનને લાતો મારી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નહીં છૂટતા શ્વાનને પકડીને બાળકથી દૂર કર્યો હતો.
બાળકના પિતાએ એકપણ સેકન્ડની ચિંતા કર્યા વિના બહાદુરીપૂર્વક પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને બચાવ્યુ હતું . જો બાળકના પિતા સમયસર ન પહોંચ્યો હોત તો એક પરિવાર પર કદાચ નવા વર્ષે જ આભ ફાટી પડતું.શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદમાં રખડતા શ્વાન સીધા સોસાયટીમાં ઘૂસી ઘરની બહાર રમતા બાળકો ઉપર હુમલા કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દર વર્ષે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર તરફથી દેખાતી નથી. રખડતા શ્વાનની રોજની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને મળે છે પરંતુ દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે.