અમદાવાદ : આવતીકાલની World Cupની ફાઈનલની મેચ માટે દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. હાલ ચાલી રહેલ World Cupમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમી ફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હંફાવી છે. ત્યારે આવતીકાલે રવિવારના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ફાઇનલમાં ટકરાવાની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. ફાઇનલમાં ભારતીય ટીમ વિજેતા બનશે જ તેવા આત્મવિશ્વાસ સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમના 15 પ્લેયર અને કોચ સહિત 16 સભ્યોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે.
પ્રાપ્ત મિડિયા રિપોર્ટ મુજબ રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વે પ્રમુખ અને પુર્વે સરપંચ ગઢકા ગ્રામ પંચાયત અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા બિઝનેસમેન અને જિલ્લા ભાજપ અગ્રણી કેયુર ઢોલરીયા દ્વારા 16 લોકોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે. તમામ 16 લોકોને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથેના શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે.
કેયુર ઢોલરીયાએ જણાવ્યું કે, હું નાનપણથી જ ક્રિકેટ મેચ રમવા અને મેચ જોવાનો ખૂબ જ શોખ ધરાવું છું અને ક્રિકેટની રમત મને અતિશય પ્રિય છે. આ કારણથી આદરણીય વડાપ્રધાન વિશ્વ ક્રિકેટ કપનો ફાઇનલ મેચ જોવા પધારવાના હોય ત્યારે ફાઇનલમાં ભારતીય ટીમની જીત માટે મારા સહિત દરેક ભારતીયનો આત્મવિશ્વાસ બુલંદી પર છે. ત્યારે ફાઇનલમાં વિશ્વ વિજેતા બનનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અને કોચ સહિત 16 સભ્યોને રાજકોટના હાર્દ સમા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં કાથરોટા નજીક શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક એક પ્લોટ આપીશું.
ક્રિકેટ રસિકો આ યાદગાર ક્ષણને વધાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રમત ગમત થકી વિશ્વ અને સમાજની ઓળખ થતી આવી છે. રમત થકી ભિન્ન ભિન્ન લોકો એક બીજા સાથે ખેલદિલીની ભાવનાથી જોડાતા આવ્યા છે. ત્યારે વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવથી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા આતુર છે. વિશ્વ કપના માધ્યમથી દેશવાસીઓમાં એકતા રાષ્ટ્ર પ્રેમ અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બની છે ત્યારે એક ગુજરાતી દ્વારા ભારતીય પ્લેયર્સને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે.