અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવજંતુ નીકળતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરની વધુ એક નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે.શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ મામલે તેના મેનેજરને જાણ કરી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા માણકી સર્કલ પાસે એક્સપ્રેસ આઉટલેટમાં આવેલા રિયલ પેપ્રિકા પિઝા સેન્ટરમાં એક યુવક બર્ગર અને પીઝા ખાવા માટે ગયો હતો. તેણે એક બર્ગર અને પિઝાનો ઓર્ડર કર્યો હતો. તેને બર્ગર આપવામાં આવ્યું અને તેણે બર્ગરનો એક ટૂકડો ખાધો હતો. ત્યારબાદ તેણે અંદર જોયું તો તેને કોઈ જીવાત હોય તેવું લાગ્યું હતું. જેથી તેણે બર્ગરની વચ્ચે જોતા ઈયળ નીકળી હતી બર્ગરમાં ઈયળ નીકળી આવી હતી. ખાધેલું બર્ગર તેણે અધૂરું મૂકી દઈ તેણે ત્યાં હાજર મેનેજરને જાણ કરી હતી. રેસ્ટોરન્ટમાં બનતી અને આપવામાં આવતી ચીજવસ્તુઓમાં જીવજંતુઓ નીકળતા હોવા અંગેની તેમણે ફરિયાદ કરી હતી.
યુવકે બર્ગરમાં નીકળેલી જીવતી ઈયળ મામલે AMCના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી છે. વધતા જતા આવા કિસ્સાને લઈ અને હવે બહારની ચીજવસ્તુઓ ખાતા પહેલા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.વધતા જતા આવા બનાવોને લઈ અને હવે રેસ્ટોરન્ટ તેમજ બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં સાફ સફાઈ અને સ્વચ્છતા મામલે ચેકિંગ કરી દંડ અને સીલની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ માત્ર 10થી 15,000નો દંડ કરી અને કાર્યવાહીનો સંતોષ માની લે છે.