અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવજંતુ નીકળતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.અમદાવાદમાં ફરી એકવાર પિત્ઝા સેન્ટરમાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. બ્રિટિશ પિત્ઝામાં સલાડમાંથી ઇયળ નીકળી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા સત્વા માંગલ્યા કોમ્પલેક્ષમાં આવેલ બ્રિટિશ પિત્ઝામાંથી જીવાત નીકળી છે. બે દિવસ પહેલા એક પરિવાર પિત્ઝા ખાવા માટે આવ્યો હતો. એ સમયે સેલડમાંથી જીવતી ઇયળ નીકળી હતી. ગ્રાહકે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી. જો કે હજુ સુધી અમદાવાદ કોર્પોરેશન આ વાતથી અજાણ છે.
નોંધનીય છે કે આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ અનેકવાર ભોજનમાં ઇયળ અને જીવાત નીકળવાની ઘટના બની છે. અગાઉ લા પિનોઝની અનેક બ્રાન્ચમાં પણ જીવાત નીકળી ચૂકી છે.મંગળવારે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રિયલ પેપરિકામાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આલું ટીક્કીમાં ઈયળ મળી હોવાની ઘટના બની હતી. અડધું બર્ગર ખાઈ ગયા બાદ ઈયળ દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી.