અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ઉપરાંત આ વર્ષે 10થી 12 જાન્યુઆરીની વચ્ચે વાઇબ્રન્ટ સમિટ પણ યોજાનારી છે. તેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવવાના છે. તેને અનુલક્ષીને ફ્લાવર શોમાં ભારત તથા ગુજરાતના વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ યોજાય છે. આ વર્ષે પણ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે સરદારબ્રિજથી એલિસબ્રિજની વચ્ચે 26,196.2 સ્ક્વેર મીટરના વિસ્તારમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. ફ્લાવર શોમાં આ વખતે સૂર્ય મંદિર, સંસદ ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સૂર્ય મંદિર 5 મીટર ઊંચું હશે જ્યારે લંબાઈ 22 મીટર જેટલી હશે. તેની પાછળ અંદાજે 43.75 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સંસદ ભવન પાછળ 24.60 લાખ રૂપિયા ખર્ચવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વડનગરની થીમ પર એન્ટ્રી ગેટ બનાવાશે જે 5થી 6 મીટર ઊંચો અને 1.5 મીટર લાંબો હશે.જેની પાછળ અંદાજે 10 લાખનો ખર્ચ થવાની શક્યતા છે.
આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સ્કલ્પચર પણ બનાવાશે. આ તમામ સ્કલ્પચર 5.45 કરોડના ખર્ચે બનશે જે માટે અમદાવાદ AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે.