અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો અને ગંદકી ફેલાવતાં એકમો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડિયા વિસ્તારમાં મ્યુનિ.એ સતત બીજા દિવસે જાહેરમા ગંદકી ફેલાવતા વધુ બે એકમને સીલ કર્યા હતા. 42 એકમોની તપાસ કરી 35ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 4.5 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મ્યુનિ. દ્વારા 35500નો દંડ પણ વસૂલ કર્યો હતો. બે દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં 24 બાય 7 પાન પાર્લર અને મહાકાલી ફેબ્રિકેશનનો સમાવેશ થાય છે. મંગળવારે પણ ઘાટલોડિયા વિસ્તારમાં 4 દુકાનો સીલ કરી હતી. જેમાં રિયલ પેપ્રિકા, દેવ ગૃહ ઉદ્યોગ, જોલી ઓટો અને જે.એલ. ટેન્ડર્સનો સમાવેશ થતો હતો.