અમદાવાદ : ગુરુવારે PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત AMCના વિકસિત ભારત રથનું નવા વાડજ વિસ્તારમાં આગમન થયું હતું. જે અંતર્ગત નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના 10 જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ યોજના, આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ સાથે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, ઉજ્જવલા યોજના, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના, ટીબી નિદાન કેમ્પ તથા ખેલો ઇન્ડિયા યોજના સહિતના વિવિધ 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરશે.આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન દ્વારા વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં હાજર લોકોને આપવામાં આવી હતી. નાગરિકોને આ બધી યોજનાઓ ખૂબ જ ઉપયોગી બની છે અને આવનારા સમયમાં પણ આ યોજનાઓ મદદરૂપ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું.
PM નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે જ, PM દ્વારા ‘નમો ડ્રોન દીદી’ યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથના આગમન સમયે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય કિરીટભાઇ સોલંકી, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ડૉ હર્ષદભાઈ પટેલ, અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.