અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ ઝડપાતો રહે છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે ઓઢવના મોતીબાગની ચાલીમાં રહેતો અસરફી લાલ સરોજ નામનો શખ્સ નકલી દારૂ બનાવીને ખુલ્લેઆમ વેચાણ કરતો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ PCB ની ટીમે બાતમીના આધારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં PCB ટીમને મોતીબાગની ચાલીમાં રહેતા અસરફી લાલ સરોજ નામના શખ્સને નકલી દારુ બનાવતા ઝડપી પાડ્યો હતો, તેને અહીં નકલી દારુનુ કારખાનું ઉભુ કર્યુ હતુ, અને દારુ બનાવી રહ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં બનાવટી દારુની 147 બૉટલો અને બિયરની બૉટલો કબજે કરાઇ છે, બનાવટી દારુના આ કારખાનામાંથી 70 નંગ ડુપ્લિકેટ બૉટલોના બૂચ અને બ્રાન્ડેડ સ્ટીકર પણ પોલીસે કબજે કર્યા છે, અહીંથી 88 હજારથી વધુના મુદ્દામાલ સાથે પીસીબીની ટીમે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જોકે, બે આરોપીઓ હજુ પણ વૉન્ટેડ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લાં ઘણા મહિનાઓથી ચલાવવામાં આવતું હતુ અને સ્કોચની બોટલ ડીફેન્સનો સ્ટોક હોવાનું કહીને એક બોટલ ચાર થી પાંચ હજારમાં વેચાણ કરવામાં આવતી હતી. આ અંગે PCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહની ફરિયાદને આધારે ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.