અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસનો હેડ કોન્સ્ટેબલ જમીન પ્રકરણ બાબતે 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અરજીના જવાબ માટે બોલાવેલી ફરિયાદીને ગુનો ના નોંધવા માટે 2 લાખની લાંચ આપવા જણાવ્યું હતું. જે બાદ આજે 2 લાખની લાંચ લેતા હોમગાર્ડ જવાન અને હેડ કોન્સ્ટેબલને ACBએ ઝડપી પાડ્યા છે. બંને વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાબુલાલ પરમારે ફરિયાદીને જમીન પ્રકરણ બાબતની તેમના વિરૂદ્ધ થયેલી અરજીના નિવેદન લખવા માટે બોલાવ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ અરજીમાંથી ગુનો ના નોંધવા બાબુલાલે 2 લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ ના આપવા માગતા હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં ફરિયાદી લાંચની રકમ લઇને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
બાબુલાલની હાજરીમાં વાતચીત કરી બાબુલાલ વતી હોમગાર્ડ રિઝવાન મેમણ લાંચ આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ 2 લાખ રૂપિયા રિઝવાનને આપ્યા હતા. લાંચ લેતા ACBએ બંને આરોપીઓ (1) બાબુલાલ શંકરભાઈ પરમાર, હોદ્દો : અ.હે.કોન્સ., વર્ગ -૩, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તા.વિરમગામ (2) રિઝવાન મહંમદ રફીક મેમણ, હોદ્દો: હોમગાર્ડ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન સામે ACBએ સફળ ટ્રેપ કરીને ઝડપી લીધા છે.