અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર હસ્તક આવતી PCB એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં દારૂ જુગાર કે અન્ય ગેરિરીતી અટકાવવા સતત વોચમાં રહી કામગીરી કરતી રહે છે. એમાંય ખાસ કરીને તાજેતરમાં શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે દારૂ જુગાર કે ડ્રગ્સની બદીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદથી PCBએ સપાટો બોલાવી ટૂંકા ગાળામાં અનેક કેસ કરતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ-PCBએ વર્ષ 2023ના જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં દેશી દારૂ અને વિદેશી દારૂના 50 કેસો કરીને 53 આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.તેવી જ રીતે ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં દેશી અને વિદેશી દારૂના 79 કેસ કરીને 96 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાથી આજ દિન સુધીમાં કુલ 1 કરોડ 23 લાખ 97 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં જુગારના 27 કેસ નોંધીને 103 આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. ત્યારે જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં જુગારનો કુલ મુદ્દામાલ 22 લાખ 64 હજાર કબજે કરવામાં આવ્યો છે.ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં 12 કેસ જુગારના નોંધીને 183 આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઓક્ટોમ્બર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં જુગારના કેસ કરીને રૂપિયા 96 લાખ 18 હજાર નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
એટલે ટૂંકમાં કહીએ તો પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ-PCBએ જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં દેશી દારૂ અને વિદેશી દારૂના અને જુગારના કેસોની સંખ્યાનો આંકડો જોવા જઈએ તો ત્રણ મહિનામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું જણાય છે, આમ નવ નિયુક્ત શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે દારૂ જુગાર કે ડ્રગ્સની બદીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો, એનું પાલન થતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે PCB નવેમ્બર મહિનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ આચરતું કોલ સેન્ટર ઝડપી લઇને 4 આરોપીને ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 2 આરોપીઓની પુના ખાતેની કંપનીમાંથી પણ ધરપકડ કરાઈ છે.