અમદાવાદ : UNESCO દ્વારા ગુજરાતના ગરબાને ઈન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાસ ગરબાના વિવિધ પ્રકારોને સમાવેશ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બૉત્સ્વાના ખાતે આજે UNESCO દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેની જાહેરાતનું રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે ભદ્રકાળી મંદિર પરિસર સહિત બનાસકાંઠામાં અંબાજી મંદીર પરિસર, પંચમહાલમાં પાવાગઢ મંદિર પરિસર અને મહેસાણા ખાતે બહુચરાજી મંદિર પરિસરમાં મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ, રાજ્યના અન્ય તમામ જિલ્લામાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવતા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સ્થાનિક લોકો કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, વિશ્વના ખૂણેખૂણે વસતા ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ છે. ગુજરાતની શેરીઓ/નગરોમાં યોજાતા પરંપરાગત ગરબાથી લઈને રાજ્યભરમાં યોજાતા આધુનિક ગરબા દેશભરમાં ગુજરાતીઓની સાંસ્કૃતિક વિરાસત તરીકે જાણીતા બન્યાં છે. UNESCOની ઐતિહાસિક જાહેરાત દ્વારા હવે ગુજરાતનો ગરબો વિશ્વમાં પહોંચશે અને દુનિયાભરમાં હવે ગુજરાતીઓ અને ગુજરાતના ગરબા જાણીતા બનશે.