અમદાવાદ : અમદાવાદમાં AMC સંચાલિત તમામ ગાર્ડનોની બહાર હવે કોઈપણ ફરિયાદ અથવા તો સૂચન માટે QR કોડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મણીનગર વિસ્તારના બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં બાકીના તમામ 290 જેટલા ગાર્ડનમાં કોડ લગાવી દેવામાં આવશે. આ સૂચન અને ફરિયાદો મારફતે તવરીત કામગીરી કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવશે.
AMC સંચાલિત તમામ બગીચાઓમાં હવે નાગરિકોની ફરિયાદ અને સૂચન મેળવવા માટે QR કોડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બગીચામાં રમત ગમતના સાધનો તૂટેલા હોય, લાઇટ બંધ હોય, સફાઈ થતી ન હોય, સિક્યુરિટી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોય તો તમે AMC તંત્રને ફરિયાદ કરી શકશો. જેમાં હાલમાં બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યો છે.આગામી એક અઠવાડિયામાં તમામ 290 જેટલા બગીચાઓમાં આ કોડ લગાવી દેવામાં આવશે. ખાસ કરીને બગીચાને લગતા તમામ પ્રશ્નો તેમાં સમાવી લેવામાં આવ્યા છે. હજી પણ જો કોઈપણ પ્રકારના સૂચન આવશે તો તે પ્રશ્નોનો પણ ઉમેરો કરવામાં આવશે.
સૌપ્રથમ નાગરિકોએ QR કોડમાં સ્કેન કરવાનું રહેશે. જેથી એક ગુગલ ફોર્મ ખુલશે. જેમાં બગીચાનું નામ લખવાનું રહેશે, ત્યારબાદ બગીચામાં સાફ-સફાઈ લાઈટ પાણી શૌચાલય વોકવે વગેરે અંગેની માહિતી ભરવાની રહેશે. આ માહિતી ભરીને જ્યારે સબમિટ કરવામાં આવશે, ત્યારે આ સીધી માહિતી AMCના ગાર્ડન વિભાગની પાસે જશે અને ગાર્ડન વિભાગ દ્વારા જે પણ ફરિયાદ કે સૂચન મળ્યું હશે. તેનું ઝડપીમાં ઝડપી સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.