અમદાવાદ : અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI 25 હજારની લાંચ લેતા ઝડપાયા છે. બે ભાગીદારો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સમાધાન કરાવ્યા બાદ ફરિયાદીને ભાગીદાર પાસેથી બે ચેક અપાવ્યા હતા જેના માટે સમાધાન કરાવવા લાંચની માંગણી કરી હતી. ACBએ ASIને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ASI સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આંબાવાડીમાં વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને તેના ભાગીદાર સાથે નાણાંકીય બાબતને લઇને તકરાર ચાલતી હતી. જે અંગે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ ASI મહિપતસિંહ બારડને સોંપાઇ હતી. જેમાં બંને પક્ષે સમાધાન કરાવીને ચેક અપાવવાનું નક્કી કર્યું હતું. સાથેસાથે કુલ રકમના 20 ટકાની માંગણી મહિપતસિંહે કરી હતી. જો કે રકઝકના અંતે 25 હજારની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવામાં ઇચ્છતા નહોતા. જેથી આ અંગે તેમણે ACBમાં ફરિયાદ કરી હતી.
જેના આધારે ACBએ સરખેજ ઉજાલા સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા ASI મહિપતસિંહને ઝડપી લેવાયા હતા.હાલ સમગ્ર મામલે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.