અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે AMTS દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ AMTSની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક લેખે રૂપિયા 1500ના ભાડે બસ મળી શકશે.
AMTS જણાવ્યા મુજબ શહેરની ખાનગી તેમજ ગ્રાન્ટેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાંથી શૈક્ષણિક પ્રવાસ લઈ જવામાં આવતો હોય છે. કાંકરિયા, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ શૈક્ષણિક પ્રવાસ માટે સ્પેશિયલ વર્ધી બસ અઢી કલાક માટે ભાડે આપવામાં આવતી હતી જેના માટે 1500 રૂપિયા પ્રતિબંધ ભાડું લેવામાં આવતું હતું. ત્યારબાદ દર 30 મિનિટ માટે 500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. જોકે, 11 ડિસેમ્બરથી શૈક્ષણિક પ્રવાસની વર્ધી માટે અઢી કલાકના બદલે 30 મિનિટનો વધારો કરી ત્રણ કલાક માટે લઘુત્તમ રૂપિયા 1500 ભાડું લેવાશે અને ત્યારબાદ દર 30 મિનિટ માટે રૂપિયા 500નો ચાર્જ લેવામાં આવશે.આમ હવે ત્રણ કલાક માટે બસ રૂપિયા 1500 લેખે ભાડે આપવામાં આવશે. શૈક્ષણિક પ્રવાસનો શાળાઓ લાભ લઈ શકે તે માટે પત્ર લખીને શાળાઓને માહિતગાર કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો માટે ત્રણ કલાકનું ભાડું તેનાથી 50 ટકા ઓછું એટલે કે રૂપિયા 750 રહેશે. AMTS દિવસોને શૈક્ષણિક પ્રવાસની બસ વર્ધી માટે છેલ્લા 11 મહિનામાં માત્ર 34 વર્ધી જ મળી હતી. જેમાં ખાનગી શાળાની 20 અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની 14 વર્ધી હતી. AMTS બસ દ્વારા વર્ધી માટે સમય ગાળો ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો હતો. શહેરમાં જો કોઈપણ સ્થળે જવું હોય તો ઓછામાં ઓછો એક કલાક જેટલો સમય થાય છે જઈને પરત આવવામાં જ બે કલાક જેટલો સમય જતો રહે છે. જેમાં સમય પૂરો થઈ જતા ત્યારબાદ વધારાના ઉપરનો ચાર્જ ચૂકવવો પડે છે તેથી સ્કૂલ દ્વારા બસનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. આમ 30 મિનિટનો વધારાનો સમય ફાળવી અને શૈક્ષણિક પ્રવાસની વર્ધીઓને વધારવાનો પ્રયાસ AMTS દ્રારા કરવામા આવ્યો છે.