અમદાવાદ : ખુબ જ ટૂંકા સમયમાં અમદાવાદની ધડકન બનેલી મેટ્રો રેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. ત્યારે આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે. સાંજે 5 વાગ્યા બાદ રેલ સેવા પુનઃ નિર્ધારિત સમય પર શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટૂંક સમયમાં ચાલુ કરવાનું હોઈ, તારીખ 13 ડિસેમ્બર, 2023 ના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ)નું નિરીક્ષણ કરશે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે 13 ડિસેમ્બર, 2023 ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 02:00 કલાકથી સાંજે 05:00 કલાક એટલે 3 કલાક બંધ રહેશે.
માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 01:00 કલાકનો રહેશે. સાંજે 05:00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે. નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.