અમદાવાદ : અમદાવાદવાસીઓ કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઇ જાઓ, દર વર્ષે અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની સંગાથે નવા વર્ષને આવકારતા હોય છે, ત્યારે આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનું આયોજન થઇ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, ખાણીપીણી વગેરે થતું હોય છે જેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો અને વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા, કીર્તિદાન ગઢવી, યોગેશ ગઢવી સહિતના સૂર રેલાવશે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકારો પણ લોકોને ખડખડાટ હસાવશે. પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
કાંકરિયા કાર્નિવલમાં સાંજે 4:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અલગ-અલગ કાર્યક્રમો ત્રણેય સ્ટેજ ખાતે યોજાશે. જેમાં વિવિધ ગાયક કલાકારો દ્વારા પોતાના સૂર રેલાવશે. કોમેડી શો, જાદુગર શો, તબલાં પર્ફોર્મન્સ, માઉથ ઓર્ગન પર્ફોર્મન્સ, ડાન્સ પર્ફોમન્સ અને ક્લાસિકલ ડાન્સ, ફ્યુઝન વગેરે યોજાશે. રાતે 10 વાગ્યાની આસપાસ ભવ્ય લેસર શો અને આતશબાજી કરવામાં આવશે. રોજ વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વિવિધ થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મારું શહેર મારું ગૌરવ, વસુધૈવ કુટુંબકમ, વાઇબ્રન્ટ ગુજરાત જેવી અલગ-અલગ થીમ ઉપર લાઈટિંગ કરવામાં આવનાર છે. રંગબેરંગી લાઈટોથી કાંકરિયા પરિસરને શણગારવામાં આવશે. કાંકરિયા કાર્નિવલના સાત દિવસ સુધીના કાર્યક્રમમાં રોજ વિવિધ નેતાઓ અને કોર્પોરેટરો હાજર રહેશે.
કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવવાના હોવાથી સુરક્ષાને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા બેઠક કરી સમગ્ર તૈયારી કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં લાગેલા સીસીટીવી ઉપરાંત પોલીસના CCTV મળી કુલ 120 કેમેરાથી તેમજ ડ્રોનથી સર્વેલન્સ કરાશે. અલગથી એક કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. કાંકરિયા પરિસર ખાતે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક બનાવવામાં આવશે. પોલીસની શી ટીમ ખાનગી ડ્રેસમાં ફરશે અને જો કોઈ મહિલાઓ કે યુવતીની છેડતી થશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.