ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. હવે અમને પણ દારૂ પીવા મળશે એ આશાએ સોશિયલ મીડિયામાં આ મુદ્દો બહુ ચગ્યો. ત્યારે બધાને એમ હતું કે, ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકાશે. પરંતું આખરે સરકારને તેની ગાઈડલાઈન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં કોણ કોણ દારૂ પી શકશે, કોણ વેચી શકશે, ક્યારે પી શકાશે તેના નિયમો જાહેર કરાયા છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવો હોય તો જાણી લો આ દારૂની છૂટને લઈ નિયમો જાહેર…
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ નિયમો જાહેર
– લિકર પિરસનાર હોટેલ, ક્લબોએ FL3 લાયસન્સ લેવુ પડશે
– લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ-વેચાણના હિસાબ રાખવા પડશે
– સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ રાખવુ પડશે
– જે સ્થળ પર લિકર સેવનની પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન કરી શકાશે નહીં
– ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે
– અધિકૃત મુલાકાતીઓજ દારૂનું સેવન કરી શકશે
– હેલ્થ પરમીટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે
– 21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે
– અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે
– દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય
– પરમીટ ધારકે પરમીટના દસ્તાવેજ સાથે રાખવા પડશે
– પરમીટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે
સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી હતી કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.