અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. તેમ છતાં આવી ઘટના સતત સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.તો બોપલ પોલીસને તેની પાસેથી સાચી રિવોલ્વર પણ મળી છે. તો પોલીસ ફાયરિંગ કરવા બદલ 6 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતા અહેવાલ અનુસાર, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા સેલિબ્રેશન કોમ્પલેક્ષમાં કેટલાક મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને તેઓની વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ એક શખ્સે દારૂના નશામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ગોળીબાર થયો હતો. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસે આ મામલે આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરીને 6 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
જો કે ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવતા દારૂની મહેફિલનો કેસ પણ દાખલ થઈ શકે છે. બોપલ પોલીસે આ મામલે ઝીંણવટ પૂર્વક તપાસ આદરી છે.પોલીસને સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી.હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.