અમદાવાદ : અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ડર હવે ઓસરી રહ્યો હોય તેવા દૃશ્યો દેખાય રહ્યાં છે. શનિવાર શહેરના નારણપુરા AEC રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં પાર્ક કરેલી કારનો કાર તોડીને ગઠીયાએ 15 લાખ રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સીનું કામ કરતા યુવકની કારનો કાચ તોડીને ગઠીયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા AEC રોડ પર આવેલી સુર્યા આયકોન બિલ્ડિંગમાં એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સી નામની ઓફિસ ધરાવીને ધંધો કરતા પ્રગ્નેશ ગોવાણીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. પ્રગ્નેશ ગોવાણીને રૂપિયાની જરૂર હોવાથી તે પોતાની કારમાં મિત્ર આકાશ પ્રજાપતિને બેસાડીને સાયન્સ સિટી રોડ પર મિત્ર અંકિત પટેલ પાસે ગયા હતા.
ત્યારબાદ અંકિત, આકાશ અને પ્રગ્નેશ અંકુર ચાર રસ્તા પાસે આવ્યા હતા. ત્યા અંકિતે તેમને 17 લાખ રૂપિયા આપ્યા હતા. 17 લાખ રૂપિયા લીધા બાદ પ્રગ્નેશ બીજા ત્રણ લાખ રૂપિયા લેવા બળદેવ પટેલ પાસે ગયા હતા. બળદેવ પટેલે ત્રણે લાખ રૂપિયા આપ્યા બાદ પ્રગ્નેશ પાંચ લાખ રૂપિયા આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. બીજા 15 લાખ રૂપિયા કારમાં મૂકીને પ્રગ્નેશ તેમજ આકાશ તેમની ઓફિસે પરત આવી ગયા હતા.બિલ્ડિંગના પાર્કિગમાં પ્રગ્નેશે તેમની કાર પાર્ક કરી હતી અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં રહેવા દીધી હતી.
થોડા સમય બાદ ઓફિસમાં કામ કરતી શ્વેતા સેટ્ટી નામની યુવતીએ પ્રગ્નેશને જણાવ્યુ હતુ કે, તમારી ગાડીનો કાચ તૂટેલો છે. પ્રગ્નેશે નીચે જઇને જોયું તો તેમની કારનો કાચ તૂટેલો હતો અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ પણ ગાયબ હતી. પ્રગ્નેશે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. આ ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સીટી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.