અમદાવાદ: શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં ફાયર વિભાગના કર્મચારીએ હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ મામલે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માગ કરી હતી. આ સાથે પરિવારજનો અને AMCના નોકર મંડળ દ્વાર ઘુમા CHC સેન્ટર ખાતે મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, જ્યાં સુધી લેખિતમાં માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને આવતીકાલે AMC ઓફિસ લાશ લઈ જશ તેમ જણાવ્યું હતું.
AMC વિપક્ષ નેતાએ પણ પીડિત પરિવારજનને આર્થિક સહાય આપવામાં આવે અને ફાયર કર્મચારીને ઈન્સોરન્સ પણ આપવામાં આવે તેવી માગ કરી હતી. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પરિવાર સાથે મુલાકાત કરી સહાય અંગે વિચારણા કરવાની વાત કરી હતી. જોકે, આ મામલામાં પત્નીને નોકરી મળશે તેવી વાત સામે આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દેવાંગ દાણીના જણાવ્યા પ્રમાણે, ઘટના ઘણી જ દુખદ છે. યુવાન ઉંમરમાં અવસાન થયું છે પરિવાર પર આફત તૂટી પડ્યુ છે. જેથી અમારી માટે અને પરિવાર માટે દુખદ ઘટના છે. સમગ્ર કોર્પોરેશન પરિવારની પડખે ઉભું છે.