અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. 22 જાન્યુઆરીએ શિક્ષકો પણ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને એક દિવસ માટે સ્કૂલોમાં રજા જાહેર કરવા માગ કરી છે.
શાળાઓમાં રજા રાખવાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે જણાવ્યું છે કે, રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ આયોજન આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવને સ્થાનિક સ્તરે ઉજવવા આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તેમજ લોક લાગણીને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં માગ કરી છે.
તમને જણાવી દઈએ કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.