અમદાવાદ : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારબાદ BJPલોકોને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરાવશે.રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં રાજ્યના મતદારોને અમદાવાદથી અયોધ્યા લઇ જવાનું BJPનું આયોજન છે. સાથે સાથે રામમંદિરના નિર્માણનો શ્રેય પણ વધુમાં વધુ BJPને મળે તેવી રણનીતિ પણ ઘડાઈ રહી છે.અયોધ્યામાં રામમંદિરના નિર્માણને BJP 2024ની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવે તેવી ચર્ચા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિવિધ લોકસભા ક્ષેત્ર પ્રમાણે આ પ્રવાસનું આયોજન થશે. 29 જાન્યુઆરીના રોજ અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ટ્રેન રવાના થશે. આ પ્રવાસની શરૂઆત અમદાવાદ પશ્ચિમ લોકસભાથી થશે. આ પ્રવાસને લઇને અમદાવાદમાં BJPના ખાનપુર કાર્યાલયે બેઠકનું આયોજન થયું છે. આમ વર્ષો પહેલા જે રીતે દરેક વિધાનસભામાંથી ધારાસભ્યો નર્મદા ડેમ જોવા પોતાના મતદારોને લઇ જતા તેવો જ માહોલ અયોધ્યા માટે ઉભો થશે. ટૂંકમાં 2024ની ચૂંટણી પહેલા રામમંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં રહે તેવી BJPની રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે.