અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરેથી ઘરઘાટીએ 30 લાખની ચોરી કરી છે. આ વેપારીએ ઘરઘાટીના જરૂરી દસ્તાવેજ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમ છતાં ઘરઘાટી ઘરમાંથી લાખોની ચોરીને કરીને રફૂચક્કર થઇ ગયો છે. આ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતા રિપોર્ટ મુજબ, નહેરુનગરમાં આવેલી સુમધુર સોસાયટીમાં રોહન અગ્રવાલ રહે છે. જેમની વટવા જીઆઇડીસીમાં કેમિકલની ફેક્ટરી છે. તેમના ઘરે પશ્ચિમ બંગાળનો રમેશ ચક્રબોર્તી બે મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. 20 જાન્યુઆરીએ સવારે છ વાગ્યે સુપ્રિયાબહેન મુંબઈ ગયા હતા. જ્યારે રોહનભાઈ અને પિતા રાધેશ્યામ ફેક્ટરી પર ગયા હતા. જ્યારે ઇન્દુબહેન અને ત્રણ નોકર આખો દિવસ ઘરે જ હતા. 21મીએ સવારે 11.30 વાગ્યે સુપ્રિયાબહેન પાછાં આવ્યાં હતાં અને દાગીના તિજોરી (લોકર) માં મૂકવા બેડરૂમમાં ગયા હતા, પરંતુ લોકર ન હતું. તે લોકરમાં રોકડા રૂ.1.85 લાખ તેમ જ સુપ્રિયાબહેન અને ઈન્દુબહેનના સોનાના અને ડાયમંડના રૂ.28.45 લાખની કિંમતના દાગીના મૂકેલા હતા.
આથી રોહનભાઈએ બંગલાના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા 20 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં રમેશ ચક્બોર્તી એક મોટો થેલો લઈને બંગલાની બહાર જતો દેખાતો હતો. આથી રોહનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક ટીમ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે.