ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતના ગાંધીનગરમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં બનશે પ્રથમ માનવરહિત સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવાની જાહેરાત કરાઇ છે. સુત્રોએ કહ્યું કે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આ અત્યાધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે અને એક રીતે ગિફ્ટી સિટીમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાની પહેલ કરાઇ રહી છે.આ સ્ટેશનમાં એક પણ પોલીસકર્મી નહીં હોય.તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીનું આ માનવરહિત પોલીસ સ્ટેશન કોર્પોરેટ ઓફિસ જેવું હશે. પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી નહીં હોય, માત્ર કિઓસ્ક હશે. અહીં, ફરિયાદ નોંધવી, જરૂરી મંજૂરીઓ મેળવવી, પોલીસિંગ, પાસપોર્ટ તપાસ વગેરે માત્ર કિઓસ્ક દ્વારા જ કરવામાં આવશે.આ પોલીસ સ્ટેશન દુબઈના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત છે.
સ્માર્ટ પોલીસ સ્ટેશન અનેક રીતે લાભદાયી બની રહેશે. ખાસ કરીને હાલ વધી રહેલા સાઇબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે. આ માટે સાઇબર ક્રાઈમ અને ઇકોનોમિક ઓફેન્સના જાણકાર પોલીસ કર્મીઓની નિમણૂંક કરવામાં આવશે.આ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિંદી-અંગ્રેજીમાં વાતચીત કરવામાં નિપુણ કર્મચારીને જ મૂકવામાં આવશે. ફિલ્ડમાં નિયુક્તિ માટે માત્ર વ્યવહારકુશળ, વિનમ્ર અને માનવીય દૃષ્ટિકોણ સમજનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની પસંદગી કરાશે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં દેશના પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા અસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક IAS અધિકારીએ આ પોલીસ સ્ટેશન કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે દુબઈનો પ્રવાસ કર્યો હતો.