અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં 22000થી વધુ કોર્મશિયલ મિલકતો સીલ કરાઈ છે. AMCના ચોપડે તમામ 7 ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. એક જ દિવસમાં 22624 કોર્મશિયલ મિલકતો સીલ કરતા 14.34 કરોડની વસુલાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં શહેરના સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને 20789 મિલકત મ્યુનિશિપલ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી. ઉત્તરઝોનમાં સૌથી વધુ 6025 મિલકત સીલ કરાઈ હતી. દિવસના અંતે મિલકતો સીલ કરી સાત ઝોનમાંથી રુપિયા 15.78 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.
ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં આવેલી સુમેલ-4માં આવેલ કોમર્શિયલ ઓફિસો ઉપરાંત સુમેલ-10માં આવેલી ઓફિસો તથા દુકાનો, નવા નરોડા તથા હંસપુરા વોર્ડમા આવલા જુદા-જુદા કોમ્પલેકસની દુકાનો તથા ઓફિસો બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી. બાપા સીતારામ ચોક વોર્ડમાં આવેલી જુદી-જુદી મિલકતો ઉપરાંત મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ સીલીંગ કરવામા આવ્યું હતું. કુલ 6025 મિલકત સીલ કરી રુપિયા 2.87 કરોડની રકમ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરાઈ હતી.