અમદાવાદ : જાહેર સ્થળો કે રોડ પર પાન-મસાલાની પિચકારી મારતાં લોકોને પકડીને દંડ ફટકારવાની મ્યુનિ. કમિશનરની સૂચનાને પગલે જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 152 જેટલા લોકોને જાહેરમાં થૂંકતા ઝડપી લઇ તેમને રૂ. 50થી લઈ 500 સુધીનો દંડ ફટકાર્યો હતો. સૌથી વધુ 54 લોકો પશ્ચિમ ઝોનમાંથી પકડાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના એસજી હાઇ-વે, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, નવરંગપુરા, વાડજ, રાણીપ, વાસણા, પાલડી, નરોડા, બાપુનગર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં જાહેરમાં રોડ ઉપર પાનના ગલ્લા નજીક ઊભા રહી થૂંક્તા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 54 જેટલા લોકોને થૂંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા. એક જ દિવસમાં 152 લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 18050નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વનનું સ્થાન મેળવવા માટે શહેરમાં જાહેર સ્વચ્છતા હોવી ખૂબ જરૂરી છે. મ્યુનિ.ની ટીમોએ ગંદકી ફેલાવતા લોકોને પકડી પાડી દંડ વસૂલ કરવા ઉપરાંત તેમને જાહેર સ્થળોએ કે રોડ પર ગંદી નહીં ફેલાવવાની સમજ આપી હતી. સોલિડ વેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર હવે જાહેરમાં ગંદકી કરનારા લોકો સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. કમિશનરની સૂચના મુજબ વાહન પર જતી વખતે રોડ પર પાનમસાલાની પિચકારી મારતા લોકોને સીસીટીવીથી ઝડપી લઈ ઘરે મેમો મોકલવામાં આવશે.