અમદાવાદ: અમદાવાદના વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીકાપ રહેશે. જેમાં ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 7 ફેબ્રુઆરી પાણીકાપ છે. તેમજ પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ઝોનમાં 8 ફેબ્રુઆરી પાણીકાપ છે. ઉત્તર, મધ્ય, પૂર્વ,પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણીકાપ રહેશે.
અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વીજળી બિલમાં જંગી ઘટાડો કરવાની નેમ સાતે ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 હજાર કિ. વોટની કેપેસિટીની લગાવેલ સોલાર પેનલના ઇન્ટરકનેક્શન માટે 5થી 6 કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે શહેરના સાતેય ઝોનમાં જુદા-જુદા દિવસે પાણી ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી પુરું પાડવામાં આવશે. તારીખ 6 થી 9 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે. તેના કારણે એક-એક દિવસ પાણી કાપની અસર જોવા મળશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રહેવાથી સાત ઝોનમાં પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં મોકલી શકાશે નહીં.
દરેક વોર્ડમાં બનાવેલી પાણીની ટાંકીઓ અગાઉથી ભરી રાખવા અને જરૂર પડે તો બોરવેલ ચલાવીને પણ નાગરિકોને પાણી પુરું પાડવાની સૂચના આપવામાં આવી છે. વોટર કમિટી ચેરમેન દિલીપભાઇ બગડીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પીવાનું પાણી પુરું પાડવા તથા ગટના પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં વીજનો ઉપયોગ થાય છે. જેની કોસ્ટ પણ સતત વધી રહી છે. ત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં જમીન પર લગાવેલ સોલાર પેનલથી એએમસી વર્ષે 16થી 20 લાખ વીજ યુનિટની બચત થશે અને કાર્બન ઉત્સર્જમાં ઘટાડો થશે.
વોટર કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, સમગ્ર શહેરને પીવાનું પાણી શુદ્ધ કરીને પૂરૂ પાડતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને એક સાથે બંધ રાખવામા આવે તો મોટી સમસ્યા સર્જાય તેમ હોઇ બધાને અલગ અલગ દિવસે પાંચ છ કલાક માટે બંધ રાખી વીજ જોડાણ કરવાનો નિર્ણય લેવાયો છે.