(માનવ જોષી દ્વારા) અમદાવાદ : ઉનાળો તપ્યો છે, તરસ્યા પશુ અને પક્ષી માટે પાણીના કુંડાઓનું વિતરણ ઠેર ઠેર થઈ રહ્યું છે અને તેમના ભૂખ્યા પેટ માટે બગીચે બગીચે ચબૂતરા પણ ઊભા કરવામાં આવ્યા છે. એ જ સેવાકાર્ય કરતા આપણા ઉદાર દિલના નાગરિકો માણસના પેટને જાણે ભૂલી ગયા છે.
જુના વાડજ સંજીવની હોસ્પિટલ અને સુભાષબ્રીજ સર્કલ પાસે ચાલતા અન્ન ક્ષેત્રને જાણે મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે અને હવે ત્યાં અન્નક્ષેત્રો બંધ થઈ ગયા છે. તેજ રીતે ઘણા નાના મોટા નિઃશુલ્ક પેટ ભરાવતી અને તે દ્વારા સેવાકાર્ય કરતી સંસ્થાઓ પણ વળતા પાણીએ છે ત્યારે આપણા નવા વાડજ વિસ્તારનું ’હર હર મહાદેવ અન્નક્ષેત્ર’ ટુંકા દાનની મર્યાદાઓ વચ્ચે આજે પણ ૧૮ મહિનાની અવિરત સેવાઓ દ્વારા અડીખમ ઊભું છે પરંતુ જે લોકો પાસે કંઈ પણ મુઠ્ઠી વાળી આપી શકાય એમ છે એવા જાગૃત અને સેવાભાવી નાગરિકો જો સમયાંતરે દાન આપવાનો પ્રણ લે તો, રોજ સવારે અસંખ્ય ભૂખ્યા લોકોના પેટને સાતા મળે. અને જે લોકો મોંઘવારીના મારને સહન નથી કરી શકતા તેવા સ્વાભિમાની લોકોના જીવનમાં પણ નાનકડું યોગદાન આપી શકે.
આવા નાના નાના પ્રયાસોથી જ સમાજને સાર્વત્રિક સુખ અને શાંતિ અર્પી શકાશે અને રોજ સવારે ભૂખ્યાનું પેટ ભરવા અખંડ જ્યોત જલાવીને બેઠેલા હર હર મહાદેવ ગ્રુપ અને તેના આગેવાન કાન્હાભાઈ (પ્રેમલ ત્રિવેદી)ને આપણે સેવાકાર્યમાં લાગેલા રહેવા ટેકો કરી શકીએ. જ્યારે સુખી ઘરના દરેક જીવને આ વાત સમજાઈ જશે ત્યારે એક સાથે સહિયારો જયજયકાર ઉઠશે અને સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠશે..’હર હર મહાદેવ’.