અમદાવાદ : અમદાવાદીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. અમદાવાદમાં સરકાર દ્વારા ટ્રાફિક વાળા વિવિધ જંક્શનોને આઈડેન્ટીફાય કરવામાં આવી રહ્યાં છે. સરવે પણ થઈ રહ્યો છે. જ્યાં વધારે જરૂરિયાત જણાય છે તેવી જગ્યાએ ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિકથી ભરચક રહેતા પોશ વિસ્તારમાં બે ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યાં છે. જેને કારણે ટ્રાફિકની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ મળશે એવી આશા લેવાઈ રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 652 મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજિત 86.94 કરોડના ખર્ચે બનશે તો 779 મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂપિયા 98.18 કરોડના ખર્ચે બનશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 20 ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 7 બ્રિજના રૂ.621.86 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદઅનુસાર 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂપિયા 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. 98.18 કરોડના ખર્ચે નિર્માણ પામશે.જે 779.19 મીટર લંબાઇ ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે. હાલ રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. 612 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.
હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24 ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ.185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.આ બ્રિજ બન્યા બાદ અંદાજે 1.50 લાખ લોકોને ફાયદો થશે.