અમદાવાદ: અમદાવાદના SG હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇકસવાર બે યુવકને એક ડમ્પરચાલકે અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈને તમારા પણ રૂંવાડાં ઊભા થઈ જશે. આ ઘટના બાદ ડમ્પર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો. ડમ્પર ચાલકને SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના SG હાઇવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મેઇન રોડ ક્રોસ કરી સર્વિસ રોડ પર જતા બાઇકસવાર બે યુવકોને પાછળથી આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. આથી બાઇક સવાર નીચે પટકાયા હતા. દરમિયાન, ડમ્પર બાઇકસવાર પરથી પસાર થતા બંને યુવક કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇકસવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ રીંગ રોડ પર એક મીક્ષર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લેતા માતા અને બાળકીનુ મોત થયું હતું.