અમદાવાદ : અમદાવાદ શહેરની ધીરે ધીરે કાયાપલટ પણ થઈ રહી છે, ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ હવે એક નવા રંગરૂપમાં આકાર લેવા જઈ રહ્યું છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવી સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.
હેરિટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારંમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે.
પ્રથમ તબક્કામાં 2400 કરોડના ખર્ચે કામ કરાશે. જેના માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઈનું ટેન્ડર પાસ કરાયું છે. તો ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વે માટે આ સૌથી વધુ નફો આપતું સ્ટેશન પણ છે. વિભાજન પહેલા સિંધ મેલ અહીંથી પસાર થતો હતો. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો હાલમાં નાના-મોટા 19 રેલવે સ્ટેશન છે. અગાઉ અમદાવાદનું આ સ્ટેશન ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.