અમદાવાદ : અમદાવાદનાં ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસબ્રિજને રૂા.26.78 કરોડનાં ખર્ચે મજબૂત કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા હશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એલિસબ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં 130 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટનાં રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરીયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 26.78 કરોડનાં ખર્ચે એલીસબ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.
જૂના એલિસબ્રિજને મજબૂત બનાવી તે જગ્યાનો ઉપયોગ ગાર્ડન બનાવવા કે ખાણીપીણીની જગ્યા માટે કરવાની દરખાસ્ત બજેટમાં રજૂ થઈ હતી. પરંતુ તે માટે કોઈ કામગીરી આગળ વધી શકી ન હતી. એલિસબ્રિજનો વચ્ચેનો ભાગ જોખમી બન્યો છે. જોકે લોખંડની ફ્રેમને કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ વચ્ચેના ભાગમાંથી પોપડા ખરતા હોવાથી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજ હાલ હેરિટેજ મોન્યૂમેન્ટમાં સમાવેશ છે. વર્ષો પહેલા આ બ્રિજને તોડી પાડવાની દરખાસ્ત સામે વિવાદ થયો હતો. લોકોના વિરોધ પછી મ્યુનિ.એ આ બ્રિજને સ્ટ્રેન્ધન કરવાની યોજના અમલમાં મૂકી હતી.
એલિસબ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્ષપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રેધનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસનાં જોઈન્ટ રીપેર કરાશે. તેમજ ગર્ડર, સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટ બદલવામાં આવશે.