અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર ડો. કિરિટ સોલંકીનું પત્તું કપાયું છે અને સૈજપુરના કોર્પોરેટર અને હાલમાં કર્ણાવતી મહાનગરના BJP પ્રવક્તા પદે રહેલા દિનેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે.
અમિત શાહના ખાસ ગણાતા અને કર્ણાવતી મહાનગર BJP પ્રવક્તા એવા દિનેશ મકવાણાને ભાજપે ટીકિટ આપીને સૌને આંચકો આપ્યો છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 2009 થી 2019 સુધીની ત્રણ લોકસભા ચૂંટણીમાં BJP એ ડૉ. કિરીટ સોલંકીની ટિકિટ આપી હતી. ત્રણેય વખત વિજય થયો હતો. ત્યારે આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. એમની જગ્યાએ સૈજપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા દિનેશભાઈ મકવાણાને ટીકિટ મળી છે. અગાઉ વિધાનસભા વખતે પણ તેમણે અસારવા વિધાનસભાની ટીકિટ માંગી હતી પરંતુ તેમને લોકસભા લડાવવાના હોઈ ટીકિટ મળી નહી.
55 વર્ષીય દિનેશ મકવાણા 1987થી રાજકારણમાં સક્રિય છે. BJP દ્વારા દિનેશ મકવાણાને સૌ પ્રથમ 1987માં નરોડા વોર્ડના અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ 1991 થી 1995 સુધી BJP ની અસારવા મંડલ સમિતિના મંત્રી તરીકે રહી ચૂક્યાં છે.1995 થી 2020 સુધી એમ સતત 4 ટર્મ સુધી દિનેશ મકવાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.1999 થી 2003 દરમિયાન દિનેશ મકવાણા કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં વિવિધ પદ પર રહી ચૂક્યાં છે.
જે બાદ 2005 થી 2008 અને 2018 થી 2020 દરમિયાન દિનેશ મકવાણા બે ટર્મ માટે અમદાવાદના ડેપ્યૂટી મેયર તરીકે રહી ચૂકયા છે. જ્યારે 2013 થી 2021 સુધી દિનેશ મકવાણા અમદાવાદના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. જ્યારે 2022થી દિનેશ મકવાણા અમદાવાદ BJP ના પ્રવક્તા તરીકે કાર્યરત છે.