અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષે ભાજપને પ્રચાર કરવાની મોટી તક આપી છે. સોમવારે તમામ મોટા નેતાઓએ પોતાને મોદીનો પરિવાર ગણાવીને સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે.પરિવારવાદ પર લાલુ પ્રસાદ યાદવની ટિપ્પણીનો પલટવાર પણ કહી શકાય. RJDના વડા લાલુ યાદવના ‘પારિવારવાદ’ની મજાક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય પક્ષના નેતાઓએ PM નરેન્દ્ર મોદી સાથે એકજૂથ થઈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલમાં ફેરફાર કર્યો. આ તમામ નેતાઓએ X પર પોતાના નામની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યું છે.
વાસ્તવમાં, બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રવિવારે આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે પરિવારની રાજનીતિ પરની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઈને PM મોદી પર નિશાન સાધ્યું હતું. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ PM નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો. PM મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ મોદી પરિવાર લખ્યુ છે.
BJP અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, સુધાંશુ ત્રિવેદી સહિત ઘણા મોટા નેતાઓએ X (Twitter) પર પોતાનો બાયો બદલ્યો છે. તમામ નેતાઓએ પોતાના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. તે જ સમયે, PM પર અભદ્ર ટિપ્પણીના મામલામાં પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ FIR BJYMના રાજ્ય પ્રવક્તા કૃષ્ણ સિંહ કલ્લુએ નોંધાવી છે.