અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ મેટ્રોની બ્લ્યુ લાઈન પર કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન આવતીકાલ 5 માર્ચથી કાર્યરત થશે. કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનમાં જામા મસ્જિદ અને રાજપુર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિરની સાથે ભારતીય રેલ્વે હેઠળના મુખ્ય કાંકરિયા કોચ ડેપોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન-GMRCએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન, 4 માર્ચ 2024ના રોજ પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થઈ ગયું છે. કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ 5 માર્ચ 2024થી મુસાફરો માટે હાલના કાર્યકારી સમય અનુસાર ઉપલબ્ધ રહેશે.હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે, જેમાં સવારે 7:00 થી રાત્રે 10:00 વાગ્યાની વચ્ચે 12 મિનિટના સમાન અંતરાલ પર કાર્યરત છે.
તાજેતરમાં જ થલતેજ અને વસ્ત્રાલને જોડતા પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું કાંકરિયા ઈસ્ટ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS)એ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે નિરીક્ષણનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અહેવાલના આધારે, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને કાંકરિયા પૂર્વ સ્ટેશન માટે મંજૂરી મળશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.