અમદાવાદ : 14-15 માર્ચ સુધી લોકસભાની ચૂંટણીઓ અંગે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ શકે છે અને તે જ દિવસે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા કરી શકે છે. હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીનું આંકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ કરશે. બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ જ પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે. 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.
સૂત્રોના મતે હાલમાં ચૂંટણી પંચની ટીમ પશ્વિમ બંગાળમાં છે. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. ચૂંટણી અધિકારીઓ 13 માર્ચ સુધી પોતાના પ્રવાસને પુરો કરશે. આ વચ્ચે ચૂંટણી પંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યું છે.
ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકનો ઉપયોગ કરી શકે છે. તેના માટે પંચ એક વિભાગ પણ બનાવી શકે છે. જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સુચનાઓ ચિન્હિત કરીને તેને હટાવવાનું કામ કરશે.