અમદાવાદ : અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વાર લૂંટારૂઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ છે. કિંમતી જ્વેલરી સાથે ચાંદી ભરીને કુરિયર વાન રાજકોટથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે કાનપર ગામના પાટિયા પાસે ચારથી પાંચ શખ્સોએ આવીને લૂંટ ચલાવી ફરાર થયા હતા.
મળતા રિપોર્ટ અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા કાનપર ગામના પાટિયા નજીક લૂંટારોએ કીમતી જ્વેલરી તેમજ ચાંદી ભરી અને જતી બોલેરો પીકપ કારમાં લૂંટ ચલાવી છે અને ખાસ કરીને આ બોલેરો પીકપ કાર છે તે રાજકોટથી કુરિયરનો ચાંદી અને કીમતી જ્વેલરી નો માલ લઈ અને અમદાવાદ તરફ જતી હતી તે દરમિયાન ચારથી પાંચ જેટલા લૂંટારો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને જે બોલેરો પીકપ કારમાં પડેલી 120 કિલોથી વધુની ચાંદી અને કીમતી જ્વેલરી છે તેને લૂંટી લેવામાં આવી છે.
ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ ચલાવી હતી.છ મહિનામાં બીજી વખત કુરિયરની ચાંદી ભરી જતી કુરિયર વાન લૂંટાવવાની ઘટના બની છે. હાઇવે ઉપર આવેલા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ તેમજ હોટલોના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
તો બીજી તરફ લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ હાઇવે ઉપર ગોઠવી દેવામાં આવી છે. સાથે સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા આરોપીઓને દબોચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.