અમદાવાદ : અમદાવાદીઓને મેટ્રો સર્વિસ ફાવી ગઈ છે અને હવે તેની કામગીરીમાં વિસ્તરણ થવાનું છે. આગામી સમયમાં અમદાવાદના છેવાડાનાં વિસ્તારોને મેટ્રો સાથે જોડી દેવાય તો તેને વધુ ચાર ચાંદ લાગી જાય તેમ છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના અધિકારીઓએ થલતેજથી વાયા શીલજ થઈને મણિપુરને મેટ્રો સુધી જોડવાની કવાયત હાથ ધરી છે. હાલમાં મેટ્રોની દૈનિક રાઇડરશિપ એક લાખની નજીક પહોંચી ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) તેની વિસ્તરણ યોજનાઓને ફરી શરૂ કરી રહ્યું છે, થલતેજથી મણિપુર અને શીલજથી મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા થઈને જોડવાનો છે .આ સીમલેસ નેટવર્ક આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એકીકૃત કરશે, જે શહેરની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે નિર્ણાયક છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર જે થલતેજ ગામે પૂરો થાય છે તે શીલજ ચાર રસ્તા થઈને મણિપુર સુધી લંબાવવામાં આવશે.
આ જ રીતે, એસપી રિંગ રોડ પર શીલજ ચોકડીથી મેટ્રોની વધુ એક લાઇન શરૂ કરીને મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા લાઇન બનાવી જોડશે. મોટેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ આવી રહ્યું છે. થલતેજ ગામથી શીલજ સુધીનો વિભાગ રેલ્વે લાઇનની સમાંતર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે, તેને મણિપુર સુધી લંબાવવામાં આવશે. આ લાઇન બોપલ, શેલા, ઘુમા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેશે.
GMRCના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ જેવા શહેરના પશ્ચિમ બાજુના વિસ્તારોમાં રહેતા લોકો માટે મિની બસોની સુવિધા શરૂ કરવામાં આવશે. આ મિની બસો લોકોને વિવિધ વિસ્તારોમાંથી થલતેજ, મણિપુર અને શીલજ જેવા મુખ્ય જંકશન પર લઈ જશે, જેથી તેઓ અમદાવાદના વિવિધ ભાગો અને ગાંધીનગર સુધી પણ સરળતાથી મેટ્રો રેલ સેવાઓનો લાભ લઈ શકે, અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે મેટ્રો રેલના તબક્કા 1 (અમદાવાદ શહેર)ના વિસ્તરણ દ્વારા પ્રાપ્ત થવાની સંભાવના છે તે ટ્રાફિક વોલ્યુમની ખાતરી કરવા માટે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પૂર્વીય ભાગો અને અન્ય આઉટગ્રોથ વિસ્તારોમાં મેટ્રો રેલ સેવાઓને વિસ્તારવાની શક્યતાને સુનિશ્ચિત કરવા માટે એક સાથે અભ્યાસ પણ ચાલી રહ્યો છે.