અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના અનેક ફ્લેટ ટાઈપ મકાનો જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્કની ધરાશયી થઇ હતી તેના પરથી જાણી શકાય છે. નારણપુરાના શાસ્ત્રીનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્ક ધરાશયી થઇ હતી. તેના પગલે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના શાસ્ત્રીનગરમાં M-53/424 ફ્લેટમાં શનિવારે મોડી રાત્રે બાલ્કનીનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થયો હતો, તેના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, ફ્લેટમાં રહેતા લોકો ઘરમાં હોવાથી અને નીચે કોઈ હાજર ન હોવાને કોઈ જાનહાનિના સમાચાર નથી.તમને જણાવી દઈએ કે શાસ્ત્રીનગરમાં અનેક ફ્લેટો વર્ષો જુના છે અને જર્જરિત હાલતમાં છે.
શાસ્ત્રીનગરમાં M-53 માં રહેતા જીતેશભાઇ નારવાણી સમગ્ર મામલે જણાવી રહ્યા છે કે અમો સમગ્ર રહીશો જીવના જોખમે રહીએ છીએ, 48 વર્ષ જુના અમારા ફ્લેટને તાત્કાલિક રિડેવલપમેન્ટની જરૂર છે, તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે કુલ 16 મકાનોમાં 2 મકાનો છેલ્લાં 20 વર્ષથી બંધ છે, જયારે નીચેના (ગ્રાઉન્ડ) ફ્લોરના મકાન માલિકો વધારાનું બાંધકામ કરી બેઠા છે, જેથી તેઓ રિડેવલપમેન્ટ રસ દાખવતા નથી, જેને કારણે બાકીના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક બનાવમાંથી શીખ નહી લે અને હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના મકાનોનો સ્ટ્રકચરલ રિપોર્ટ નહીં કઢાવે તો ભવિષ્યમાં તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપશે તે સુનિશ્ચિત છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા મારવા જવાના બદલે કોર્પોરેશન પાણી પહેલા પાળ બાંધવાનું વલણ અપનાવે તો કમસેકમ બિનજરૂરી જાનહાનિ થતી અટકશે અને તેના કામની પણ બોલબાલા થશે. અમદાવાદ સહિત હાઉસિંગ બોર્ડના કેટલાય મકાનોની જર્જરિત સ્થિતિ છે અને કોર્પોરેશનનો મકાન વિભાગ આ મોરચે સક્રિય થાય તે જરૂરી છે.