35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

નવા વાડજના નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ અપાવી કોહિનુર હીરા સમી લોકલાગણી

Share

(માનવ જોષી દ્વારા) અમદાવાદ : કોલસાની ખાણમાંથી હીરા મળે એ તો સૌએ સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે, પણ આ વાંચ્યા પછી તમને થશે કે કોલસાનું કામ કરનારામાં પણ હીર હોય છે અને એ સમાજ માટે હીરો સાબિત થઈ શકે છે. નવા વાડજ ગામના રહેવાસી અને નવા વાડજ શાકમાર્કેટમાં કોલસાનો વ્યવસાય કરતાં ભગવતી કોલ ડીપોના માલિક નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ તેમને નવા વાડજમાં કોહિનુર હીરા સમી લોકલાગણી અપાવી છે.

છેલ્લા 50 વર્ષથી નવાવાડજ શાક માર્કેટમાં કોલસાના વ્યવસાય થકી જેમની ઓળખ છે એવા નરેન્દ્રભાઇની સમાજસેવાની વાત કરીએ તો સૌથી વિશેષ છે દશામાના વ્રતના દસ દિવસની ઉજવણીમાં તેમનું અમૂલ્ય યોગદાન..નરેન્દ્રભાઈ પટેલના કહેવા મુજબ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા ભક્તો પોતાની મર્યાદાને લીધે વ્રતની યોગ્ય ઉજવણી કરી શકતા નથી માટે અમે દશામાંના વ્રતના 10 દિવસ દરમિયાન કોઈપણ જાતના ઉઘરાણા વિના દરરોજ 20 થી 25 કિલો ઉત્તમ ફરાળી મીઠાઈ અને ફરસાણ માં ને પ્રસાદી સ્વરૂપ અર્પણ કરીએ છીએ તથા ઉપવાસ કરતી બહેનોમાં તે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તદુપરાંત નવમા દિવસે ભવ્ય ફૂલના ગરબાનું આયોજન અમારા તરફથી થાય છે, જેમાં વિસ્તારના લોકો ભાવથી જોડાય છે. અંતિમ દિવસે ભંડારો કરવામાં આવે છે જેમાં 4000 થી 5000 લોકો સમૂહ ભોજનમાં પ્રસાદી મેળવે છે. પ્રદૂષણના સરકારી ધારા ધોરણને ધ્યાનમાં રાખી માતાજીનું વિસર્જન પણ અમે અમારા ખુદના બનાવેલ કુંડમાં કરીએ છીએ.

’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરતા નરેન્દ્રભાઈના પુત્ર ઇશાંત પટેલ ઉનાળામાં જ્યારે ગરમી પોતાની પરાકાષ્ઠાએ હોય એવા મે મહિના દરમિયાન પશુ-પક્ષી માટે અસંખ્ય પાણીના કૂંડાનું વિતરણ કરે છે. નવા વાડજ શાકમાર્કેટમાં ભગવતી કોલ ડીપોની બહાર સેવાસ્વરૂપ રામરસ પરબમાં અવર જવર કરતા નાગરિકો માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ ગરમીમાં રાહત મળે તે માટે છાશનું પણ અહી વિતરણ થાય છે.

નરેન્દ્રભાઈના બીજા સુપુત્ર સૃજલ પટેલના જણાવ્યા મુજબ ગૌરીવ્રત હોય ત્યારે પપ્પાના માર્ગદર્શન હેઠળ અસંખ્ય બાળાઓને જવારા ઉઘાડીને તેનું ફ્રીમાં વિતરણ કરીએ છીએ. એકવાર તો એવું બન્યું કે કિન્નર સમાજે (માસીબા) આવીને નરેન્દ્રભાઈને વિનંતી કરી કે અમારે અમારા માતાજીના ગરબા કરવા છે, તમે અમને સહકાર આપો કેમ કે કોઈ અમને મદદ તો શું સાંભળવા પણ રાજી નથી. નરેન્દ્રભાઈએ ભગવતી કોલ ડીપોના આંગણે કિન્નર સમાજ માટે એટલું સુંદર ગરબાનું આયોજન કર્યું કે આખા ગુજરાતમાંથી લગભગ 3000 જેટલા કિન્નર ગરબામાં જોડાયા.

નરેન્દ્રભાઈના સેવા યજ્ઞને સુગંધ આપતું અનોખું સેવાકાર્ય એટલે મેડા આદરજ ગામના રામદેવ ફાર્મમાં થતું સમૂહ લગ્નનું આયોજન. આજના મોંઘવારીના સમયમાં લગ્નના ખર્ચને પહોંચી ન વળતા માતા પિતાની મજબૂરીને માથે લઈ નરેન્દ્રભાઇ આ વખતે ત્રીજો સમૂહલગ્નનો ઉત્સવ યોજી રહ્યા છે, જેમાં લગભગ 65 જેટલી કન્યાઓનું મામેરું નરેન્દ્રભાઇ પટેલના પરિવાર દ્વારા થશે.આ અગાઉ તેઓના દ્વારા બે સમૂહલગ્નનો ઉત્સવ યોજાઈ ગયા છે.

ગામમાં બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવાનું હોય કે પછી ધાર્મિક લાગણીના સંવર્ધન માટે ભાગવત કથા કે રામકથા કરવાની હોય, નરેન્દ્રભાઈનો હાથ અને હૈયું હંમેશા આવા કાર્યમાં યોગદાન માટે તત્પર જ હોય. પરિવારનો એક વ્યક્તિ સેવાકાર્યમાં સક્રિય હોય પણ અન્યનો સહકાર ન મળે તો ક્યારેક ને ક્યારેક આ યાત્રા અટકી જાય છે પરંતુ નરેન્દ્રભાઈના પરિવારના દરેક વ્યક્તિ તેમના આ સેવાયજ્ઞમાં તેમની પાછળ રહે છે અને જ્યાં જ્યાં જાત ઘસવાની આવે તેમની સાથે રહે છે તે ઈશ્વરના આશીર્વાદ છે.

આપણા ભારત દેશમાં જ્યાં સુધી નરેન્દ્રભાઇ જેવા ભામાશા હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ક્યારેય લુપ્ત થશે નહી અને ત્યાં સુધી કોઇપણ નાગરિક પોતાની મર્યાદાને લીધે ધાર્મિક કે સામજિક ઉત્સવોથી વંચિત નહિ રહી જાય તે આપણું સૌભાગ્ય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles