અમદાવાદ : અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ કાર હંકારી 9 લોકોનાં મોત નિપજાવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવાઈ છે. આરોપી તથ્ય 7 મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે.ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે છાતીનો દુ:ખાવો, અનિયમિત હ્રદયના ધબકારાની સારવાર માટે વકીલ દ્વારા હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. તથ્ય પટેલને ખાનગી હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવવી હતી. જોકે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, તથ્યનો ECG રિપોર્ટ નોર્મલ છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, આજના સમયમાં હ્રદયના અનિયમિત ધબકારા પણ નોર્મલ છે. જેને લઈ હાઇકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે.
રિપોર્ટ મુજબ અરજદારના વકીલે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી તેને આ તકલીફ છે, તેણે જેલ ઓથોરિટીને પણ ફરિયાદ કરી હતી, પરંતુ છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં તેને ફક્ત પેરાસીટામોલની ગોળી આપવામાં આવી હતી. તેને છાતીની ડાબી બાજુ દુઃખી રહ્યું છે, આથી તથ્યને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે 19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.