અમદાવાદ : અમદાવાદમાં નાયબ મામલતદાર 15 હજારની લાંચ લેતા ACB હાથે રંગે હાથ ઝડપાયા હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. નાયબ મામલતદારે 7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ નાયબ મામલતદારવતી આઉટ સોર્સિંગનો કર્મચારી લઈ રહ્યો હતો. બંનેને ACBએ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા હતા.
વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદીના માતાનુ નામ 7/12ના ઉતારામાં ચડાવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. જે અંગે સોલા ચાવડીના નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી તપાસ કરી રહ્યો હતો. નાયબ મામલતદારે કાચી નોંધ તૈયાર થયા બાદ કાચી નોંધને પ્રમાણિત કરવા ફરિયાદી પાસે 15 હજારની લાંચ માગી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
સોલામાં આવેલી ચાવડીના ગેટ બહાર જ નિર્મલસિંહ ડાભીના કહેવાથી આઉટ સોર્સિંગમાં કામ કરતો યોગેશ પટેલે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના 15000 રૂપિયા લીધા હતા. જેથી ACBએ બંને આરોપીઓને સ્થળ પરથી જ લાંચ લેતા ઝડપી લીધા હતા.