અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા અંતે ACBની ગીરફતમાં આવ્યા છે. થોડા સમય પહેલા 29મી જાન્યુઆરી 2024 ના રોજ સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMCમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ રાણા પાસે અપ્રમાણસર મિલકત હોવાની અરજી ACBને મળી હતી. જેની તપાસ કરતા અલગ અલગ ત્રણ જેટલા મકાનો અને ફિક્સ ડિપોઝિટ સહિત કુલ 2 કરોડ 75 લાખ 18 હજારથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે મિલકત 1 એપ્રિલ 2010 થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન સુનિલ રાણા એ પોતાના અને પત્ની તેમજ બાળકોના નામે વસાવી હતી. સુનિલ રાણા એ પોતાની આવક કરતા 306.11% વધુ અપ્રમાણસર મિલકત રાખતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો.આ અંગે ACB ખાતે ગુનો નોંધાયા બાદ સુનિલ રાણા છુપાતો ફરતો હતો. તેણે સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે જામીન અરજી નામંજુર તથા અંતે તે ACB સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી છે.
આ મામલે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તે અત્યાર સુધી ક્યાં ફરાર હતો અને કોણે તેને મદદ કરી તે તમામ દિશામાં પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.