અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં સરકારની આયુષમાન યોજનાની ગાઈડલાઈનનો ભંગ કરવાનું સ્ટર્લિંગ હોસ્પિટલને ભારે પડ્યું છે.સરકારે આ માટે સ્ટર્લિંગ હોસ્પિટલને 45 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલે દર્દી પાસે આયુષમાન કાર્ડ હોવા છતા ઓપરેશનના રૂપિયા 9 લાખ વસુલ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર લેવા આવેલા દર્દી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નું કાર્ડ હોવા છતાં સારવારના રૂપિયા વસૂલતા નોટિસ ફટકારી છે. હોસ્પિટલ સત્તાધીશો દ્વારા દર્દી પાસે આયુષ્માન કાર્ડ ના હોવાની ખોટી સહી કરાવડાવીને કેસલેસ સારવાર નહતી આપી અને રૂ.8,96,011 રૂપિયાનું તોતિંગ બિલ વસૂલ કર્યું હતુ.
આ મામલે દર્દીએ અમદાવાદના આરોગ્ય અધિકારીને ફરીયાદ કરતા આરોગ્ય અધિકારી એક્શનમાં આવ્યા હતા, અને સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત હોસ્પિટલે દર્દી પાસેથી વસુલેલા રૂપિયા 9 લાખના 5 ગણા એટલે કે રૂપિયા 45 લાખનો દંડ હોસ્પિટલને ફટકાર્યો હતો.