અમદાવાદ : શહેરમાં વર્ષો જૂના હયાત બ્રિજ ખખડધજ બન્યા હોવાથી તેને રિપેર કરીને વાહનચાલકો માટે સુગમ બનાવવાની દિશામાં પણ તંત્ર પ્રયત્નશીલ છે. જે હેઠળ સત્તાધીશોએ હવે પશ્ચિમ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારને શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા સાથે જોડનારા રેલવે ઓવરબ્રિજનાં રિપેરિંગ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મ્યુનિ. તંત્ર દ્વારા 80 લાખના ખર્ચે જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગનું આયોજન કરવામાં આવનાર છે. આ બ્રિજ શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ 1995માં ઔડાએ કર્યું હતું. હવે સમયાંતરે તે આશરે 27 વર્ષ જૂનો થયો હોવાથી રિપેરિંગ માગે તેવી હાલતમાં મુકાઈ ગયો છે.
પહેલાં સત્તાધીશો જીવરાજ પાર્કથી શ્યામલ ચાર રસ્તા તરફ ચડતી લેનનું રિપેરિંગ હાથ ધરશે. આ રિપેરિંગ એક મહિનો ચાલશે. ત્યાર બાદ શ્યામલ ચાર રસ્તાથી જીવરાજ પાર્ક તરફ ઊતરતી બીજી લેનનું રિપેરિંગ હાથ ધરાશે. આ બંને લેનનાં રિપેરિંગ પાછળ બે મહિનાનો સમય લાગશે તેવો તંત્રનો દાવો છે.
જોકે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે તેમજ પશ્ચિમ અમદાવાદના વાસણા, જીવરાજ પાર્ક, વેજલપુર જેવા વિસ્તારોને જોધપુર, બોડકદેવ સાથે જોડવા માટેનો મહત્ત્વનો બ્રિજ હોઈ સત્તાધીશો એક લેનને રિપેર માટે બંધ રાખીને બીજી લેન પરથી અપ-ડાઉનનો ટ્રાફિક ચાલુ રાખશે. એટલે બે મહિના ટ્રાફિક જામ રહેશે.