અમદાવાદ : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરખેજ પોલીસ સ્ટેશન પાસે ST બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ST બસ અમદાવાદથી ધોળકા જતી હતી, દરમિયાન બસમાં 90 પેસેન્જર હતા. જો કે હાલ આ આગ કંટ્રોલમાં હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદથી ધોળકા જતી ગુજરાત ST બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સરખેજ પોલીસ સ્ટેશન પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોઈ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા.
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ જતા ખોખુ બની ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ અન્ય વાહનચાલકો પણ ભયમાં મૂકાયા હતા.
તમને જણાવી દઈએ કે ઉનાળાની ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધારે બનતા હોય છે ત્યારે બસમાં લાગેલી આગ શોર્ટ સર્કિટ અથવા એન્જિનનો ભાગ ગરમ થયો હોવાથી લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળે છે.