અમદાવાદ : સટ્ટાખોરીએ સમાજની અંદર રહીને સતત વિકસતી અને ઊંધઈની જેમ નવી પેઢીને આર્થિક, સામાજિક અને માનસિક રીતે ભાગી નાખવાનું કામ કરે છે હવે બદલાયેલી ટેકનોલોજીનો લાભ સટ્ટાખોરો પણ મેળવીને જૂની રીતે બંધ કરી નાખી છે અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ક્રિકેટ મેચ ઉપર સટો રમાડાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં જાહેરમાં મોબાઇલથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ ખાતે એક શખ્સ મોબાઇલથી ક્રિકેટ સટ્ટા બેટિંગનો જાહેરમાં જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને શખ્સને પકડી પાડ્યો હતો અને તેની જડતી લીધી હતી. આ દરમિયાન તેના મોબાઈલમાંથી એક એપ્લિકેશન ખુલ્લી હોવાનું જણાયું હતું. તેમાં IPLની મેચના હારજીતના સોદા થયેલા મળી આવ્યા હતાં.
પોલીસની પુછપરછમાં તેને પોતાનું નામ રાકેશ ઠક્કર હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મારી પાસેનું આઈડી ગ્રાહકોને આપતો હતો, જેના આધારે ગ્રાહકો જુગાર રમતા હતાં. હારજીતના નાણાં પર તેને ત્રણ ટકા કમિશન મળતું હતું. આ આઈડી તેણે તેના મિત્ર હર્ષ પટેલ પાસેથી 10 હજાર રૂપિયામાં મેળવ્યું હતું. પોલીસે આ શખ્સનો મોબાઈલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.